ઇસ્લામાબાદ: ભારતના ઉગ્ર વિરોધ વચ્ચે ચીને તેના મિત્ર પાકિસ્તાનની મદદ માટે પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરના ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારમાં ઝેલમ નદી પર ખૂબ મોટા દિયામેર-ભાષા ડેમનું બાંધકામ શરૂ કરી દીધું છે. ૧૬મી જુલાઈએ પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન આ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં જનસભાને સંબોધિત કરતા ઇમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાનનો આ ત્રીજો સૌથી મોટો ડેમ છે.
આ પ્રોજેક્ટ દ્વારા ૪૫૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે અને લગભગ ૧૬,૦૦૦ લોકોને રોજગારી પૂરી પાડશે. ૨૦૨૮ની સાલમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની ધારણા છે. પાકિસ્તાન સરકારે મે મહિનામાં આ પ્રોજેક્ટ માટે ચીન સાથે ૪૪૨ બિલિયન ડોલરનો કરાર કર્યો હતો. ખાને કહ્યું કે મારી સરકાર પાકિસ્તાનના ઇતિહાસનો સૌથી મોટો ડેમ બનાવી રહી છે. આ અમારો ત્રીજો સૌથી મોડો ડેમ હશે. ચીને પાંચ હજાર નવા ડેમ બનાવ્યા છે અને તેના કુલ ડેમનો આંકડો ૮૦ હજાર પર પહોંચ્યો છે તેથી તમે અનુમાન કરી શકો કે આપણે કેટલી મોટી ભૂલ કરી છે. પાકિસ્તાની વડા પ્રધાને કહ્યું કે ડેમ બનાવવાનો નિર્ણય તો ૫૦ વર્ષ પહેલાં લઈ લેવાયો હતો, પરંતુ કામ તો હવે શરૂ થયું છે. આ એક કુદરતી ડેમ છે.
ડેમનું નિર્માણ ગેરકાયદેસર: ભારત
ભારતે આ વિવાદિત વિસ્તારમાં ચીનની સહાયથી બાંધવામાં આવી રહેલા દિયામેર-ભાષા ડેમનો વિરોધ કર્યો છે.
ભારતનું કહેવું છે કે આ વિસ્તાર તેના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરનો હિસ્સો છે તેથી ડેમ બનાવવો ગેરકાયદેસર છે. ભારતના વિરોધ છતાં પણ પાકિસ્તાન દ્વારા ડેમ બનાવાઈ રહ્યો છે. પીઓકેના લોકો પણ કોહાલા વિસ્તારમાં બની રહેલા ડેમનો વિરોધ કરી રહ્યા છે. પાકિસ્તાન સરકારે કાશ્મીરના સુધાનોટી જિલ્લામાં ઝેલમ નદી પર આઝાદ પટ્ટાન હાઈડ્રો પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ તમામ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ પહેલનો હિસ્સો છે.